નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. તમામ પાર્ટીઓના ઉમેદવારોની મોટાભાગની યાદી સામે આવી ગઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ અને રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ જાણકારી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આપી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારની જેડીયૂ બે બેઠકો પર જ્યારે રામવિલાસ પાસવાનની એલજેપી એક બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારી શકશે.


દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને મોટા ભાગના નેતાઓ ટિકીટ મેળવવા પાર્ટી બદલી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા. અધ્યક્ષ મનોજ તિવારીએ આપ અને કૉંગ્રેસમાંથી આવતા નેતાઓનું સ્વાગત કર્યું હતું. ભાજપની સદસ્યતા લેવામાં આપ નેતા અતુલ કોહલી, વિજય લક્ષ્મી, વિક્કલી લાંબા અને જયશ્રી ફીટર સામેલ છે. જ્યારે કૉંગ્રેસમાંથી નેતા પ્રીતમ ભડાના, પંકજ ચૌધરી, રવિ કુમાર સંજય કુમાર સામેલ થયા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21મી જાન્યુઆરી છે. 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીના ચૂંટણી પરિણામ જાહેર થશે.