દિલ્હીના જંગપુરામાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યુવાનોને નોકરી આપવામાં રસ નથી. ઉલ્ટા તેઓ સત્તામાં રહેવા માટે એક એકબીજાને લડાવવા માંગે છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે બન્નેનું મકસદ સમાજમાં નફરત ફેલાવવાનું છે, જે કૉંગ્રેસે ક્યારેય નથી કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ બે કરોડ નોકરીઓ આપશે. તેના માટે તેમણે શું કર્યું, કેજરીવાલે બેરોજગારીના નિવારણ માટે શું કર્યું ? વિશ્વવિદ્યાલયો, કૉલેજોમાંથી ગ્રેજ્યુએટ થયેલા યુવાનોમાં ડર છે કે તેમને નોકરી મળશે કે નહીં. આ તમારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો દોષ છે.
જંગપુરા વિધાનસભાથી કોંગ્રેસ ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહનો પરિચય કરાવતા રાહુલ ગાંધીએ કહ્યું, આમણે પાકિસ્તાનમાં જઈ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા અને જેલ ગયા. શું કોઈ ભાજપનો નેતા પાકિસ્તાન જઈ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી શકે છે ?
તેમણે એમ પણ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલા યુવાનોને રોજગારી મળી તે બતાવવા તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદી પર સરકારી સાહસોને વેચવાનો આરોપ લગાવતાં કહ્યું, તેઓ તાજમહેલ પણ વેચી શકે છે. કેન્દ્ર સરકાર અદાણી અને અંબાણી માટે છે. આ સરકાર માત્ર 15 લોકોને ફાયદો પહોંચાડવા માટે છે.
11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ
દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.