નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી સભા ગજવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપ અને આમ આદમી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. નફરતના માહોલથી પીએમ મોદીને ફાયદો થયો પરંતુ દેશને નહીં તેમ પણ જણાવ્યું હતું.


જંગપુરા વિધાનસભાથી કોંગ્રેસ ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહનો પરિચય કરાવતા રાહુલ ગાંધીએ કહ્યું, આમણે પાકિસ્તાનમાં જઈ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા અને જેલ ગયા. શું કોઈ ભાજપનો નેતા પાકિસ્તાન જઈ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી શકે છે ?


રાહુલ ગાંધીએ કહ્યું, આપણા ઈતિહાસમાં નફરતને સ્થાન નથી. આપણો દેશ પ્રેમવાળો દેશ છે. તેઓ(બીજેપી) ધર્મની વાત કરે છે પરંતુ કોઈ ધર્મ હિંસાની વાત નથી કરતાં. પીએમ મોદી અને આરએસએસનો આ કયા પ્રકારનો હિન્દુ ધર્મછે, હિન્દુ ધર્મ તમામને સાથે લઇને ચાલવાની વાત કરે છે.


તેમણે એમ પણ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલા યુવાનોને રોજગારી મળી તે બતાવવા તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદી પર સરકારી સાહસોને વેચવાનો આરોપ લગાવતાં કહ્યું, તેઓ તાજમહેલ પણ વેચી શકે છે. કેન્દ્ર સરકાર અદાણી અને અંબાણી માટે છે. આ સરકાર માત્ર 15 લોકોને ફાયદો પહોંચાડવા માટે છે.


11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ

દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.


2015માં AAPને મળી 67 સીટ

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.


લોકસભામાં ભાજપે મારી બાજી

2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.

કાર અકસ્માતમાં રેપર બાદશાહનો થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત

 દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલનો પડકાર, કહ્યું- BJP બુધવારે એક વાગ્યા સુધીમાં CM ઉમેદવાર કરે જાહેર

IND v NZ: આવતીકાલે પ્રથમ વન ડે, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી