નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આજે 10 કોમોનું ગેરંટી વાળુ કાર્ડ જાહેર કર્યું છે. ગેરન્ટી કાર્ડ જાહેર કરતા કેજરીવાલે કહ્યું કે આ ગેરંટી કાર્ડ ચૂંટણી ઢંઢેરો નથી. અમે ચૂંટણી ઢંઢેરો 10 દિવસ બાદ જાહેર કરીશું. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા 10 યોજનાઓ/ નવા વાયદાઓની ગેરન્ટી આપી રહ્યાં છે. સાથે કેજરીવાલે કહ્યું કે કોઈ પણ યોજના બંધ થશે નહીં.

કેજરીવાલના ગેરંટી કાર્ડમાં 24 કલાક સુધી વિજળી, 200 યૂનિટ ફ્રી વીજળીની યોજના ચાલુ રહેશે. દરેક ઘરમાં નળથી પાણી પહોંચશે અને 24 કલાક શુદ્ધ પીવાના પાણીની સુવિધા. દિલ્હીમાંથી વીજ વાયરો દૂર કરવા. 20 હજાર લીટર પાણી નિશુલ્ક આપવા. દિલ્હીના તમામ બાળકને સારી શિક્ષણ વ્યવસ્થાની ગેરંટી પણ આપવામાં આવશે. દરેક પરિવારને આધનિક હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક દ્વારા સારવારની સુવિધા આપવામાં આવશે.



સૌથી મોટી અને સસ્તી શહેરી સરકારી પરિવહન સુવિધા ઉભી કરાશે. 11 હજારથી વધુ બસો અને 500 કિમીથી વધુનું મેટ્રો નેટવર્ક હશે તેવી ગેરંટી આપવામાં આવી છે, મહિલા અને વિદ્યાર્થીઓે મફત બસ યાત્રાની સુવિધા. પ્રદુષ મુક્ત દિલ્હી, સ્વચ્છ અને ઝગમગાતી દિલ્હી, મહિલાઓ માટે સુરક્ષા, મૂળભૂત સુવિધાઓ યુક્ત કોલોનિની ગેરંટી આપવામાં આવી છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.