નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રથમ વખત દારૂની ખાનગી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરી માત્ર 66 દુકાનોને જ આપવામાં આવી છે. ઉપરાંત કંટેન્મેંટ ઝોનમાં આવી દુકાનોને હાલ ખોલવા દેવાની મંજૂરી નથી આપવામાં આવી.

દિલ્હી સરકારે દારૂની 66 ખાનગી દુકાનોને સરકારી આદેશોનું પાલન કરીને ખોલવાની મંજૂરી આપી છે. આ દુકાનો સવારે 9 વાગ્યાથી સાંજે 6.30 સુધી ખુલ્લી રહેશે. ઉપરાંત દિલ્હી સરકારે તમામ દુકાનોને ઓડ-ઇવન નિયમનું પાલન કરવાનો પણ આદેશ આપ્યો છે. જોકે શોપિંગ મોલમાં આવેલી દારૂની દુકાનોને મંજૂરી આપી નથી અને મોલની તમામ દુકાનો બંધ રહેશે.


પીટીઆઈ મુજબ, દિલ્હીમાં 863 દારૂની દુકાનો છે. જેમાંથી 475 દુકાનો દિલ્હી સરકારની 4 અલગ-અલગ સંસ્થા દિલ્હી સ્ટેટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, દિલ્હી સ્ટેટ સિવિલ સપ્લાઈ કોર્પોરેશન અને દિલ્હી કન્ઝ્યૂમર કો ઓપરેટિવ હોલસેટ સ્ટોરને આધીન છે. દિલ્હીમાં 389 દુકાનો ખાનગી શરાબ માલિકોની છે. જેમાંથી 150 દુકાન વિવિધ શોપિંગ મોલમાં આવેલી છે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 12,319 મામલા આવ્યા છે. જેમાંથી 208 લોકોના મોત થયા છે અને 5897 લોકો સાજા થઈ ગયા છે.