Delhi Excise Policy Case: CBIએ સોમવારે (28 ઓગસ્ટ) દિલ્હી લિકર કૌભાંડમાં ચાલી રહેલી તપાસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક વરિષ્ઠ અધિકારી સહિત ઘણા લોકો સામે કેસ નોંધ્યો છે. તપાસ એજન્સીએ EDના સહાયક નિર્દેશક પવન ખત્રી વિરુદ્ધ FIR નોંધી છે.






દિલ્હી લિકર પોલિસી કેસના આરોપી દારૂના વેપારી અમનદીપ સિંહ ઢલ પાસેથી કથિત રીતે 5 કરોડ રૂપિયા લેવાના આરોપમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બંન્નેની સાથે સીબીઆઈએ એર ઈન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દીપક સાંગવાન, ક્લેરિજ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના સીઈઓ વિક્રમાદિત્ય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રવીણ કુમાર વત્સ અને અન્ય બે – ઇડીમાં યુડીસી નિતેશ કોહર અને બિરેન્દર પાલ સિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે


EDની ફરિયાદ પર કાર્યવાહી


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્ધારા ફરિયાદ પર સીબીઆઈની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી સરકારની આબકારી નીતિ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કેસના આરોપી અમનદીપ ઢલ અને તેના પિતા બિરેન્દર પાલ સિંહે 5 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.


પ્રવીણ વત્સે શું કહ્યું?


અધિકારીઓએ જણાવ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રવીણ વત્સને EDની તપાસમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વત્સે EDને જણાવ્યું કે સાંગવાને ડિસેમ્બર 2022માં પવન ખત્રી સાથે તેનો પરિચય કરાવ્યો હતો.


ED તપાસના આધારે કેસ નોંધવામાં આવ્યો


પ્રવીણ વત્સે કહ્યું કે તેણે આરોપીઓની યાદીમાંથી ઢલનું નામ હટાવવા માટે ડિસેમ્બર 2022માં વસંત વિહારમાં ITC હોટલની પાછળના પાર્કિંગમાં સાંગવાન અને ખત્રીને 50 લાખ રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે EDએ પોતાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી છે. જેના આધારે કેન્દ્રીય તપાસ એજન્સીએ કેસ નોંધ્યો હતો.


આબકારી નીતિની તપાસ કરતી ટીમનો ભાગ નહી


સૂત્રોના જણાવ્યા અનુસાર આસિસ્ટન્ટ ડિરેક્ટર પવન ખત્રી અને અપર ડિવિઝન ક્લાર્ક નિતેશ બંને એક્સાઇઝ પોલિસીની તપાસ કરતી ટીમનો ભાગ ન હતા. EDની ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે EDએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી, નિતેશ અને વિક્રમાદિત્યના પરિસરમાં દરોડા પાડ્યા હતા.


સર્ચ દરમિયાન સીએ પ્રવીણ વત્સના ઘરમાંથી લાંચના 2.2 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ 2.2 કરોડ રૂપિયા 5 કરોડની લાંચનો એક ભાગ હતા જે સીએ વત્સ દ્વારા આપવામાં આવી હતી. આ દરોડા જૂલાઈના પહેલા સપ્તાહમાં પાડવામાં આવ્યા હતા.