Chandrayaan 3: ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચાલી રહ્યું છે. ઈસરોએ સોમવાર, તા. 28 ઓગસ્ટના રોજ રોવરની કેટલીક વધુ તસવીરો જાહેર કરી છે. ઉપરાંત, ઈસરોએ જણાવ્યું કે રવિવારે, તા. 27 ઓગસ્ટે રોવર એક મોટા ખાડા પર પહોંચી ગયું હતું. જો કે, તે સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું.


ફોટો શેર કરતા, ISROએ ટ્વિટ કરીને લખ્યું, 27 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન તેના સ્થાનથી 3 મીટર આગળ 4 મીટર વ્યાસના ઉંડા ખાડા પાસે પહોંચ્યું હતું. જે બાદ પરત ફરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે સુરક્ષિત રીતે નવા રસ્તા પર આગળ વધી રહ્યું છે.


ચંદ્રની સપાટીનો ગ્રાફ કર્યો જાહેર


આ પહેલા રવિવારે ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેંટ (ચેસ્ટ) દ્વારા  ચંદ્ર પરના તાપમાનને માપ્યુ હતું, ઇસરોના વૈજ્ઞાાનિક બી એચ એમ દરૂકેશાએ જણાવ્યું હતું કે અમારું એવું અનુમાન હતું કે ચંદ્રનું તાપમાન આશરે 20 થી 30 ડિગ્રી સેંટીગ્રેટ જેટલુ હશે. જોકે અમને જે જાણકારી મળી છે તે મુજબ મહત્તમ તાપમાન 70 ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું છે. આ તાપમાન અમારા અનુમાન કરતા ઘણુ વધારે છે જે આશ્ચર્યજનક પણ છે.  વિક્રમ લેન્ડર પર લગાવવામાં આવેલા ચેસ્ટે દક્ષિણ ધુ્રવની માટીનું તાપમાન પણ માપ્યું હતું. આ પેલોડ પર ઉપકરણ લગાવવામાં આવ્યું છે કે જેમાં તાપમાન માપવા માટે 10 સેંસર લગાવવામાં આવ્યા છે.


આ ઉપકરણ કંટ્રોલ એંટ્રી સિસ્ટમની મદદથી સપાટીથી 10 સેમી નીચે કેટલુ તાપમાન છે તેની પણ જાણકારી મેળવવા માટે સક્ષમ છે. જાણકારી અનુસાર ચંદ્રની સપાટી અને માટીની નીચેનું તાપમાન અલગ અલગ જોવા મળ્યું છે. હાલ જે આંકડા મોકલવામાં આવ્યા છે તેનું ઇસરો દ્વારા વિસ્તૃત અવલોકન કરવામાં આવી રહ્યું છે. ઇસરો દ્વારા હાલ ચંદ્રના તાપમાનમાં જે ફેરફારો જોવા મળ્યા છે તેનો ગ્રાફ પણ જાહેર કર્યો હતો. ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું.


23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું


લેન્ડર મોડ્યુલે 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પ્રજ્ઞાન લેન્ડિંગના થોડા કલાકો બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. આ પહેલા કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો ન હતો. આમ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો.


આ પણ વાંચોઃ


Aditya-L1 Mission: ઈસરોએ સૂર્ય મિશનની તારીખ કરી જાહેર, જાણો ક્યાંથી કેટલા વાગે આદિત્ય-એલ 1 થશે લોન્ચ