નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને નાણા મંત્રી મનીષ સિસોદિયાએ આજે વર્ષ 2021-22 માટે દિલ્હીનું બજેટ રજૂ કર્યુ છે. વિધાનસભામાં મનીષ સિસોદિયાએ તમામ સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે રસી માટે 50 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે. જયારે કુલ બજેટ 69 હજાર કરોડનું છે.  


બજેટ ભાષણ દરમિયાન સિસોદિયાએ જણાવ્યું, અમે 6 વર્ષમાં સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરી છે. વર્ષ 1951ના ડેટા મુજબ દિલ્હીમાં 12 સરકરી હોસ્પિટલ હતી પરંતુ આજે 38 મલ્ટીસ્પેશિલ હોસ્પિટલ છે. આ દરમિયાન તેમણે કોરોના સામેના જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સ અને સ્વાસ્થ્યકર્મીનો આભાર વ્યક્ત કર્યો હતો.


સિસોદિયાએ કહ્યું, વેક્સીન ઉપલબ્ધ થવાથી કોરોના મહામારીનો અંત આવવાની આશા મળી છે. હાલ દિલ્હીમાં રોજ 45 હજાર લોકોને રસી આપવાની ક્ષમતા છે, જેને વધારીને 60 હજાર કરાશે. હાલ રાજ્યમાં 250 રૂપાયાં વેક્સીન ઉપલબ્ધ છે પરંતુ સરકારી હોસ્પિટલમાં તેને ફ્રીમાં આપવામાં આવશે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં દેશમાં કુલ બે કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી ગઈકાલે જ 20 લાખ લોકોનું રસીકરણ કરાયું હતું.