Delhi Girl Dragged Case Update: દિલ્હીમાં ફરી એક ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. કાંઝાવાલા અકસ્માતને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીએ તમામ હદો વટાવી દીધી હતી. વીડિયોમાં વાહનની નીચે કંઈક ફસાયેલું પણ જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે, વીડિયોમાં દેખાઈ રહેલી આ વસ્તુ કોઈ બીજુ નહીં પણ યુવતીનો મૃતદેહ હોઈ શકે છે.


પોલીસ કાંઝાવાલા વિસ્તારમાંથી આરોપીના બલેનો વાહનના અન્ય સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. કેસમાં પ્રત્યક્ષદર્શી દીપકે જણાવ્યું હતું કે, વાહને આગળ જતાં યુ-ટર્ન લીધો હતો. CCTV 3:34 વાગ્યાના છે. કાંઝાવાલાના લાડપુર ગામથી થોડે આગળ વાહન યુ-ટર્ન પણ લે છે અને તોસી ગામ તરફ કાર આગળ પણ વધી જાય છે. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, નશામાં છાટકા બનીને કાર હંકારી રહેલા પાંચેય યુવકોને યુવતી કારમાં ફસાઈ ગઈ છે તેની જાણકારી હોવા છતાંયે યુ-ટર્ન લીધો હતો. 


આરોપીઓએ 8 કિલોમીટર સુધી ચલાવી હતી કાર 


તોસી ગામ પાસે બાળકીની લાશ પણ મળી આવી છે. અકસ્માત બાદ વાહન લગભગ 8 કિલોમીટર સુધી હંકારી ગયા હતાં. આ દરમિયાન યુવતીના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. લગભગ 4 વાગ્યે દિલ્હી પોલીસને મૃતદેહ નગ્ન અવસ્થામાં હોવાની માહિતી મળી. આ કેસમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.


કાર અને સ્કુટીની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે


આ ઘટનામાં પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. કારણ કે યુવતીનું માથું છુંદાયેલી હાલતમાં મળી આવ્યું છે. હવે યુવતીના પરિવારજનોએ પોલીસ પર બળાત્કાર અને આરોપીને બચાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને બળાત્કારના એંગલથી તપાસની માંગ કરતો પત્ર લખ્યો છે. આ કેસમાં દિલ્હી એફએસએલની ટીમ આરોપીની કાર અને બાળકીની ક્ષતિગ્રસ્ત સ્કૂટીની ફોરેન્સિક તપાસ કરશે.


Delhi Accident : દિલ્હીમાં નશેડીઓના હાથે અકસ્માતનો ભોગ બનેલી યુવતીની કહાની રડાવી દેશે


દિલ્હી આઉટરના સુલતાનપુરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનામાં પરિવાર વિશે મહત્વની વાત સામે આવી છે. મૃતક યુવતીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. ઘરમાં બે બહેનો, બે ભાઈઓ અને માતા રહે છે. એક મોટી બહેન પરણિત છે. આ ઘટનામાં મૃત્યું પામેલી 23 વર્ષીય યુવતી જ આખા ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતી. અધુરામાં પુરૂ મૃતકની માતા કિડનીની બિમારીથી પીડિત છે. તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે. આમ મૃતક યુવતીના પરિજનો માટે તો માથેથી જાણે છત્ર જ છીનવાઈ ગયું છે.