નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હરકતમાં આવી છે. સરકારે હૉસ્પીટલોને નિર્દેશ આપી દીધો છે કે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે પુરતી સંખ્યામાં પીપીઇ કિટ અને ઓક્સિજન માસ્ક સહિતના મેડિકલ ઉપકરણો ખરીદીને રાખો.

દિલ્હી સ્વાસ્થ્ય સચિવ પદ્મિની સિંગલાએ શુક્રવારે જાહેર કરેલા એક આદેશમાં કહ્યું કે દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાયરસ સંક્રમણના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે હૉસ્પીટલોમાં બેડ, સર્જિકલ ઉપકરણો અને પાયાની સગવડો સાથે જોડાયેલી વસ્તુઓની માંગ વધી ગઇ છે.

આદેશમાં કહેવાયુ છે કે દિલ્હી સરકાર અંતર્ગત આવનારી તમામ કૉવિડ-19 અને બિન-કૉવિડ-19 હૉસ્પીટલોના એમએસ/એમડી/નિદેશકને સર્જિકલ વસ્તુઓ, ઓક્સિજન માસ્ક તથા ઓક્સિજન ઉપચાર પદ્ધતિ માટે આવશ્યક વસ્તુઓ, પીપીઇ કિટ, હાથના મોજા, માસ્ક વગેરે ખરીદીને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધીનો પર્યાપ્ત ભંડાર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્ય સતત વધી રહી છે, શનિવારે 1320 નવા કેસો સામે આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા વધીને 27500ને પાર પહોંચી ગઇ છે.