Delhi Excise Policy:  નવી આબકારી નીતિની સીબીઆઈ તપાસ માટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના (Lieutenant Governor Vinay Kumar Saxena) ની ભલામણ બાદ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના વેચાણની જૂની પોલિસી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ શુક્રવારે આ અંગેની માહિતી આપી હતી.


એક્સાઇઝ પોલિસી 2021-22 31 માર્ચ પછી બે મહિના માટે બે વાર લંબાવવામાં આવી હતી. હવે 31 જૂલાઈએ આ બંધ થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આબકારી વિભાગ હજુ પણ આબકારી નીતિ 2022-23 પર કામ કરી રહ્યું છે, જેમાં ઘરે ઘરે દારૂ પહોંચાડવા માટે અન્ય ઘણી ભલામણો છે. તેમના કહેવા પ્રમાણે, આ ડ્રાફ્ટ પોલિસી હજુ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મોકલવામાં આવી નથી.


નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિર્દેશ


અધિકારીઓએ જણાવ્યું હતું કે આબકારી વિભાગનો હવાલો સંભાળી રહેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે વિભાગને નવી નીતિ રજૂ ન થાય ત્યાં સુધી છ મહિના માટે આબકારીની જૂની સિસ્ટમમાં "પાછળ" ફરવાના નિર્દેશ આપ્યા હતા. જૂની એક્સાઈઝ પોલિસી 1 ઓગસ્ટથી અમલમાં આવવા જઈ રહી છે. દિલ્હી સરકારે ગયા વર્ષે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. જે હવે પાછી ખેંચવામાં આવી રહી છે. 6 મહિનામાં ફરીથી નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરવામાં આવશે.


લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તાજેતરમાં દિલ્હી સરકારની નવી આબકારી નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેની તપાસની ભલામણ સીબીઆઈને સુપરત કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર એલજી સક્સેનાએ મુખ્ય સચિવના એક રિપોર્ટના જવાબમાં આ ભલામણ કરી છે. દિલ્હીના મુખ્ય સચિવે 8 જુલાઈ, 2022ના રોજ એલજીને આ અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે નવી આબકારી નીતિ હેઠળ દારૂના લાયસન્સધારકોને ટેન્ડર પછીના ખોટા લાભો આપીને દિલ્હી એક્સાઇઝ નિયમો 2010નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.