નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.  દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે કોંગ્રેસ નેતા પર લાગેલ આરોપો ગંભીર છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં જામીન ના આપી શકાય.


દિલ્હી હાઈકોર્ટના આ ફેસલા બાદ ચિદમ્બરમે હજુ જેલમાં જ રહેવું પડશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો ચિદમ્બરમને જામીન આપી દેવામાં આવે છે તો 70 બેનામી બેંક અકાઉન્ટ સહિત શેલ કંપનીઓ અને મની ટ્રેલને સાબિત કરવી તપાસ એજન્સી માટે મુશ્કેલ થઈ જશે. કોર્ટે કહ્યું કે આ અપરાધના કારણે દેશને નુકસાન થયું છે.

INX મીડિયા કેસમાં જ દિલ્હીના રાઉજ એવન્યૂ કોર્ટે બુધવારે 14 દિવસ માટે તેમની ન્યાયિક કસ્ટડી વધારી દીધી હતી. રાઉજ એવન્યૂ કોર્ટમાં હવે 27 નવેમ્બરે તેમના મામલામાં આગામી સુનાવણી થશે. CBIએ 21 ઓગસ્ટે પી ચિદમ્બરમને દિલ્હી સ્થિત તેમના ઘરેથી પકડ્યા હતા.

INX મીડિયા કેસ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં 21 ઓગસ્ટે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી CBIએ પી ચિદમ્બરમની ધરપકડ કરી લીધી હતી. જે બાદથી ચિદમ્બરમ જેલમાં જ બંધ છે.  2007માં પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે INX મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ હાંસલ કરવા માટે વિદેશ રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વરતવાનો આરોપ છે. આ મામલામાં તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે જેઓ હાલ જામીન પર છે.