દિલ્હી હાઈકોર્ટ એક કેસની સુનાવણી દરમિયાન ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે દિલ્હી સરકારની પણ આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે ગ્રાહક ફોરમમાં મહિલાઓ માટે પીવાના પાણી અને શૌચાલય સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને દિલ્હી સરકારને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર અદાલતો પર આ રીતે દબાણ ન લાવી શકે જેના કારણે તેમને ન્યાયિક પ્રોજેક્ટ માટે પોતાનું બજેટ મંજૂર કરાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી શકે છે.


દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે કહ્યું કે, 'રાજ્ય સરકારને માત્ર અમારી કોર્ટના બજેટમાં કાપ મુકવામાં જ રસ છે. અમને જાણવા મળ્યું કે એક ઇરાદાપૂર્વકની પેટર્ન અપનાવવામાં આવી છે. દરેક બાબત માટે અમારે આદેશ માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. ગ્રાહક ફોરમમાં મહિલા શૌચાલય નથી. તમે જાણી જોઈને જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવું કરી રહ્યા છો.


'દિલ્હી સરકાર તરફથી ખૂબ જ ઓછો સહકાર'


હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે હોસ્પિટલો અને કોર્ટમાં અને ત્યાં સુધી કે ડ્રેનેજ સિસ્ટમ સહિત બધા માટે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાની જરૂર પડી છે કારણ કે દિલ્હી સરકાર તરફથી ખૂબ ઓછો સહકાર મળી રહ્યો છે. નારાજ બેન્ચે કહ્યું, 'દિલ્હી સરકાર સહકાર નથી આપી રહી. તેઓ ટ્રિબ્યુનલમાં અધિકારીઓની નિમણૂક કરતા નથી. ગ્રાઉન્ડ લેવલ પર કામ શૂન્ય થયું છે. શું તમામ જિલ્લા ગ્રાહક ફોરમમાં મહિલા શૌચાલય છે? એવું ન વિચારો કે તમે અમને આ રીતે દબાવી શકશો. આવું ના કરો. જિલ્લા ફોરમ અને રાજ્ય આયોગમાં મહિલા શૌચાલય કેમ ઉપલબ્ધ નથી? કોઈ ઈરાદો નથી. તે ખૂબ અન્યાયી છે. જિલ્લા ફોરમમાં મહિલા શૌચાલય નથી તે ખૂબ જ ખરાબ છે.


દિલ્હી સરકારનું આશ્વાસન


દિલ્હી સરકારના વકીલે કહ્યું હતું કે રાજ્ય ઉપભોક્તા પંચે શૌચાલયના નિર્માણ માટે જાહેર બાંધકામ વિભાગને આદેશ જાહેર કરવો પડશે. બાદમાં જોકે, તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે ત્રણ અઠવાડિયામાં જિલ્લા અને રાજ્ય ગ્રાહક ફોરમમાં શૌચાલય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી સરકારના ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ રાજ્ય કમિશનના કોઈપણ આદેશનો આગ્રહ રાખ્યા વિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. કોર્ટે કેસની વધુ સુનાવણી 23મી એપ્રિલે કરશે.