નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે આજે કહ્યું કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક પ્રશાસનના કોઈ અધિકારી ઓકિસજનની સપ્લાઈમાં અડચણ પેદા કરી રહ્યા છે તો અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. જસ્ટિસ વિપિન સાંઘી તથા જસ્ટિસ રેખા પલ્લીની બેંચ તરફથી આ ટિપ્પણી મહારાજા અગ્રેસન હોસ્પિટલની એક અરજી પર સુનાવણી વખતે કરવામાં આવી હતી.


અદાલતે દિલ્હી સરકારને કહ્યું કે, ઓક્સિજનના પુરવઠાનમાં કોણ અડચણ નાંખી રહ્યું છે. પીઠે કહ્યું, અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. અમે કોઈને નહીં છોડીએ. અદાલતે દિલ્હી સરકારને કહ્યું કે, સ્થાનિક તંત્ર દ્વારા આવા અધિકારીઓ અંગે કેન્દ્રને પણ જણાવી દેવું જોઈએ. જેથી કરીને આવા તત્વો સામે કાર્યવાહી થઈ શકે.


કોવિડના વધતા મામલે મુદ્દે દિલ્હી હાઇકોર્ટે કહ્યું, આપણે આને લહેર કહી રહ્યા છીએ પરંતુ ખરેખર તે સુનામી છે. કોવિડ-10ની બીજી લહેર મે મહિનામાં પિક પર પહોંચવાની આશંકાને ધ્યાનમાં રાખી તેની શું તૈયારી કરવામાં આવી છે. કેન્દ્ર તથા દિલ્હી સરકારે કોવિડ-19થી થતો મૃત્યુદર ઘટાડવાની જરૂર છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,46,786 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2624 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,838 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 66 લાખ 10 હજાર 481


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 38 લાખ 67 હજાર 997


કુલ એક્ટિવ કેસ - 25 લાખ 52 હજાર 942


કુલ મોત - 1 લાખ 89 હજાર 544


 13 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 83 લાખ 79 હજાર 832 ડોઝ આપવામાં આવ્યા છે.