Delhi Gov vs LG: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના મુખ્ય સચિવ નરેશ કુમાર મારફતે દિલ્હી પરિવહન નિગમની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ CBIને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર નિવેદન અનુસાર, એલજી સચિવાલય કાર્યાલયને આ મામલે ફરિયાદ મળી હતી. આ અગાઉ પણ દિલ્હી સરકાર અને એલજી સામસામે આવી ચૂક્યા છે. વીકે સક્સેનાએ પહેલા તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપોરની મુલાકાતના પ્રસ્તાવને મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને દલીલ કરી હતી કે આ કાર્યક્રમ સીએમ લેવલનો નથી, મેયર લેબલનો છે, તેથી સીએમ સામેલ થઇ શકે નહીં.






બસ ખરીદી મામલે LG-કેજરીવાલની લડાઈ


હવે દિલ્હીની કેજરીવાલ સરકારની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને વીકે સક્સેનાએ આ ફરિયાદ CBIને મોકલી છે. હવે આ મામલે વિવાદ વધ્યો છે. દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે દિલ્હીને વધુ શિક્ષિત એલજીની જરૂર છે, હાલના એલજીને ખબર નથી કે તેઓ ક્યાં સહી કરી રહ્યા છે.


દિલ્હી સરકારે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે પહેલા પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવો જોઈએ. ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે તેમના પર 1400 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. આ દરમિયાન તેમણે ટેન્ડર વગર તેની પુત્રીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.


તાજેતરમાં જ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને તેમના અન્ય સ્થળો પર સર્ચ કર્યું હતું. જે બાદ એલજી અને આપ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે. ભાજપ દિલ્હી સરકાર પર માત્ર દારૂની નીતિમાં જ નહીં પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે.


ગયા મહિને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપે તેમના ધારાસભ્યોને ખરીદવા માટે 800 કરોડ રૂપિયા ફાળવ્યા છે.