કોલકત્તાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે કોલકત્તા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઇડીએ 17.32 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી એક ઉદ્યોગપતિ આમિર ખાનના ઘરે થઈ હતી. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિઝનેસમેનના ઘરેથી 17 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઇડીએ શનિવારે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કોલકાતા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર પર દરોડા પાડીને 17.32 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. હવે આ મામલે રાજકારણ શરૂ થયું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, હવે આ મામલામાં ED એપ પ્રમોટરોની રાજકીય કડીઓના એંગલની પણ તપાસ કરી રહી છે. કોલકાત્તાના ગાર્ડન રીચ વિસ્તારમાં EDએ આ કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સી આ કેસમાં આરોપી આમિર ખાનને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી આમિર ટીમ દરોડા દરમિયાન મળી આવ્યો ન હતો. એજન્સીના અધિકારીઓએ નોટો ગણવા માટે 8 મશીન લગાવ્યા હતા. આ સાથે રોકડની ચોક્કસ કિંમત જાણવા માટે બેંક કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. આ પછી સાંજે એક ટ્રક પણ સ્ટીલની વિશાળ ટાંકીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી જેથી જપ્ત કરાયેલી રોકડ બેંકમાં જમા કરાવવા લઈ શકાય.
સીઆરપીએફના જવાનોએ ઇડીની ટીમો મોકલી હતી
CRPFના જવાનોએ EDની ટીમોને ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ અને મોમીનપુર પહોંચાડી હતી. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'ઈ-નગેટ્સ' ગેમિંગ એપના પ્રમોટર્સ આમિર ખાન અને અન્ય લોકો સામે દરોડા પાડવામાં આવ્યા છે. આ માટે ટીમે 6 જગ્યાએ સર્ચ કર્યું છે.
10 ઓગસ્ટના રોજ EDની કાર્યવાહી બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે. ટીએમસીના વરિષ્ઠ પ્રધાન અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે તેમની પાર્ટીને આરોપી ઉદ્યોગપતિ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ આરોપ મૂક્યો હતો કે ED લોકોમાં ડર ફેલાવીને રોકાણકારોને રાજ્યમાંથી દૂર ભગાડવા માંગે છે. બીજી તરફ ભાજપે આ આરોપને ફગાવતા કહ્યું કે દરોડા માત્ર અનૈતિક બિઝનેસમેન પર જ પડ્યા હતા. ટીએમસી નેતાને પણ પૂછ્યું કે શું તેમની પાસે છૂપાવવા માટે કંઈ છે.
તપાસમાં કરોડો રૂપિયા મળી આવ્યા
બીજી બાજુ, ટીએમસી નેતા હકીમે પૂછ્યું હતું કે શું મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસ પશ્ચિમ બંગાળ જેવા બિન-ભાજપ પક્ષો દ્વારા શાસિત રાજ્યો સુધી મર્યાદિત છે. જો તપાસમાં 17 કરોડ રૂપિયાનો ખુલાસો થયો હોય તો તે પૈસાના સ્ત્રોતની તપાસ થવી જોઈએ. એમ પણ કહ્યું કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીનું શું, જેમણે રૂ. 7,000 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી? તેમણે કહ્યું કે બીજેપી શાસિત રાજ્યોમાં ઉદ્યોગપતિઓ છે અને તેઓએ જંગી રકમ એકઠી કરી હશે.
ટીએમસીના વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો હતો કે શું તેનો અર્થ એ છે કે બંગાળ જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોના વેપારીઓ સામે દરોડા પાડવામાં આવશે. આ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા હેરાનગતિના ડરથી રોકાણકારોને બંગાળ આવતા અટકાવવા માટે છે. આનો વિરોધ કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે આવા નિવેદનો ડરના કારણે આવે છે. કારણ કે લોકો મની લોન્ડરિંગ અને ટીએમસી વચ્ચેની સાંઠગાંઠથી વાકેફ છે. એમ પણ કહ્યું કે EDના દરોડા સામાન્ય રીતે વેપારી સમુદાય વિરુદ્ધ નથી. તે માત્ર અનૈતિક ઉદ્યોગપતિઓ સામે છે.