Delhi Liquor Policy Case:  દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. EDના આરોપો પર કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. તેમના નિવેદનના આધારે જ મારી ધરપકડ કરવામાં આવી હતી.


ઇડી દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે અને તેણે 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.


કેજરીવાલે કોર્ટમાં શું આપ્યો જવાબ?


કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. કેજરીવાલે કહ્યું, "ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસન રેડ્ડી, ભાજપને કથિત દારૂ કૌભાંડમાં 60 કરોડ રૂપિયાનું દાન આપનારા સરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા અને પ્રમોદ સાવંતના નજીકના વ્યક્તિ સત્ય વિજય,ગોવાના મુખ્યમંત્રીના નજીકના અને સીએમના કેમ્પેઇન મેનેજરના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.'' દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી છે. ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને રજૂ કર્યા છે.


EDએ તેના જવાબમાં શું કહ્યું?


આ પહેલા EDએ સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કર્યો હતો. EDએ દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર છે અને હકીકત આધારિત ગુના માટે કોઈની ધરપકડ કરવાથી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના ખ્યાલનું ઉલ્લંઘન થઈ શકે નહીં.


EDએ દાવો કર્યો હતો કે કેજરીવાલે તેના મંત્રીઓ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું અને એક્સાઈઝ પોલિસીમાં આપવામાં આવેલા લાભોના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સામેલ હતા.