નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન-4 ને લઈ રાજ્ય માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમણે કહ્યું, દિલ્હીમાં મેટ્રો, સ્કૂલ, કોલેજ, સિનેમાહોલ, મોલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ અને જિમ બંધ રહેશે. તમામ ધાર્મિક સંસ્થા, સલૂન અને સ્પા પણ હાલ બંધ રહેશે. સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં હોય. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વગર ખુલ્લા રહેશે.


કેજરીવાલે કહ્યું, ટેકસી કેબ, મેક્સી કેબ, આરટીવી અને બસો ચાલુ થશે. બસમાં 20થી વધારે મુસાફરો નહીં હોય. માર્કેટ કોમ્પલેક્સ ઓડ-ઈવન સાથે ખુલશે. જરૂરી સામાનની દુકાનો રોજ ખુલ્લી રહેશે.


નિર્માણનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે, માત્ર દિલ્હીના વર્કર્સને કામ કરવાની મંજૂરી રહેશે. લગ્નમાં માત્ર 50 લોકો એકઠાં થઈ શકશે. રેસ્ટોરેંટ માત્ર હોમ ડિલિવરી કરી શકશે. ઓટો અને ઈ રિક્ષા ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ એક જ પેસેન્જર બેસાડી શકાશે.


મુખ્યમંત્રીએ કહ્યું, જ્યારે ભારતમાં કોરોના વાયરસ આવ્યો ત્યારે આપણી તૈયારી નહોતી. પરંતુ છેલ્લા દોઢ-પોણા બે મહિનામાં પ્રબંધ કરવામાં આવ્યો છે. હવે આપણે અર્થતંત્રને ધીમે ધીમે ખોલવાની દિશામાં આગળ વધવું પડશે. ગઈકાલે કેન્દ્ર સરકારે આ અંગે ગાઇડલાઈન જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે લોકડાઉનમાં છૂટ આપવાનો ફેંસલો કર્યો છે.