કેરળ સરકારે કોવિડ-19 હોટસ્પોટ સિવાયના વિસ્તારમાં બસ સેવા શરૂ કરવાનો ફેંસલો લીધો હોવાનું રાજ્યના પરિવહન મંત્રીએ જણાવ્યું હતું. પંજાબના મોહાલીમાં સલૂન ફરી ખૂલ્યા હતા. જોકે લોકોએ સ્વયંભૂ આવવાનું ટાળ્યું હતું. અમૃતસરમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, ફૂટવિયર, હાર્ડવેર અને સાઇકલ રિપેરિંગની દુકાનો ફરીથી ખૂલી હતી.
કોરોના લોકડાઉન વચ્ચે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આવનારા રેલ યાત્રીઓ માટે દિલ્હી પરિવહન નિગમ (DTC)ની શટલ બસ સેવા શરૂ કરવામાં આવી છે. દિલ્હી-નોયડા બોર્ડર પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આ ઉપરાંત દિલ્હીમાં ચિકન શોપ્સ, સ્ટેશનરીની દુકાનો, મીઠાઈની દુકાનો પણ ખૂલી હતી.
કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજ્યમાં સરકારી અને પ્રાઇવેટ બસોના સંચાલનને મંજૂરી આપી છે. તેમણે ગાઇડલાઇન્સ જાહેર કરતાં કહ્યું, કન્ટેનમેંટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવશે. બીજા વિસ્તારોમાં આર્થિક ગતિવિધિની છૂટ રહેશે. રાજ્યમાં તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, ઉપરાંત રાજ્યમાં ટ્રેન સંચાલનને પણ મંજૂરી અપાઈ છે. રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.
પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 4 અમલી થયા બાદ સિલીગુડીમાં ફૂટવિયર, બેગ, હેલમેટ, ઈલેક્ટ્રોનિક્સનો સામાન વેચતી દુકાનો ફરીથી ખૂલી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે લોકડાઉન 4ની ગાઈડલાઈન જાહેર કરી હતી. લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં કઈ દર્શકો નહી હોય. ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.