નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31 મે સુધી લોકડાઉનના દિશા નિર્દેશમાં વધુ છૂટ ન આપવા કહ્યું છે. તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને રવિવારે રાત્રે લખેલા પત્રમાં મુખ્ય સચિવ અજય ભલ્લાએ કહ્યું- ચોથા તબક્કાના દિશા-નિર્દેશને પ્રધાનમંત્રી મોદીની તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે 11 મેના રોજ થયેલી બેઠક બાદ તમામ વાતોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યા છે.


ગૃહ મંત્રાલયે કહ્યું, લોકડાઉન 4માં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનમાં સામેલ પ્રતિબંધોમાં છૂટ ન આપી શકે. રાજ્યોને તેમના કોવિડ-19 મામલાની સંખ્યા જોઈને રેડ, ગ્રીન અને ઓરેંજ ઝોનમાં વહેંચવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અનેક રાજ્યોના મુખ્યમંત્રી આની માંગ કરી રહ્યા હતા.



રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં ભલ્લાએ કહ્યું, હું ફરીથી કહેવા માંગુ છું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોમાં કોઈ બદલાવ કરી શકે નહીં. હું તમને આગ્રહ કરું છું કે નવા દિશાનિર્દેશોનું પાલન કરો અને તમામ સંબંધિક અધિકારીઓને તેના કડક અમલીકરણ માટે આદેશ આપો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે લોકડાઉન 4ની ગાઈડલાઈન જાહેર કરી હતી. લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં કઈ દર્શકો નહી હોય. ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.