નવી દિલ્હીઃ નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કાર્યક્રમ ભારત માટે સમસ્યાનું કારણ બન્યો હતો. આખા દેશમાં હજારો એવા કેસ આવ્યા છે જે જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ લોકોએ દેશના અલગ અલગ હિસ્સામાં  જઇને કોરોના વાયરસ ફેલાવ્યો છે. તબલીગી જમાત વિરુદ્ધ માર્ચના અંતમાં મહામારી એક્ટ અને આઇપીસીની અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો. હવે એક રિપોર્ટ અનુસાર, જમાત મેનેજમેન્ટ વિરુદ્ધ આઇપીસીની કલમ 304 (સદોષ માનવ વધ)ની કલમ ઉમેરવામાં આવી છે.

દિલ્હી પોલીસ તરફથી મૌલાના સાદ સહિત 17 લોકોને તપાસમાં સામેલ થવા માટે નોટિસ ફાળવી હતી. જોકે, તેમાંથી 11 લોકો પોતાને હોમ ક્વોરેન્ટાઇન બતાવી પોલીસ સામે આવવાથી બચી રહ્યા છે. મૌલાના સાદે પણ પોતાને ક્વોરેન્ટાઇન કરી દીધા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમનો આઇસોલેશન પીરિયડ ખત્મ થઇ રહ્યો છે અને પોલીસ કોઇ પણ સમયે તેમની ધરપકડ કરી શકે છે.

નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજનું કોરોના કનેક્શન સામે આવ્યા બાદ પોલીસે મૌલાના સાદ સહિત સાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જમાતના 1890 વિદેશીઓ વિરુદ્ધ લૂકઆઉટ સર્કુલર જાહેર કર્યું હતું. પોલીસનું કહેવું છે કે આ વીઝા નિયમોના ભંગ કરી કાર્યક્રમમાં  સામેલ થયા હતા. નિઝામુદ્દીન મરકજના 18 લોકોની તપાસમાં સામેલ થવા નોટિસ અપાઇ છે.