Delhi MCD Mayor: દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના બે કોર્પોરેટર AAPમાં જોડાયા છે. મુસ્તફાબાદના કાઉન્સિલર સબિલા બેગમ અને બ્રિજપુરીના કાઉન્સિલર નાઝિયા ખાતૂન શુક્રવારે (9 ડિસેમ્બર) AAPમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી દુર્ગેશ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના બે કાઉન્સિલરો AAPમાં જોડાયા છે. મેયરની ચૂંટણી માટે AAP વધુ મજબૂત બની છે.


દુર્ગેશ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે છેલ્લા 15 વર્ષમાં દિલ્હીમાં જે કામ કર્યું નથી તેનો જનતાએ જવાબ આપ્યો છે. ચૂંટણીમાં લોકોએ ભાજપને મહાનગરપાલિકામાંથી બહારનો રસ્તો બતાવીને જવાબ આપ્યો છે. અલી મહેંદી પણ આપ સાથે જોડાઈ રહ્યા છે. તેઓ દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને અલ્પસંખ્યક વિભાગના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.અલી મહેંદી મુસ્તફાબાદના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અલી હસન મહેંદીના પુત્ર છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બુધવારે (7 ડિસેમ્બર) જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 250 કોર્પોરેશન સીટોમાંથી આમ આદમી પાર્ટીએ 134 સીટો જીતી હતી. જ્યારે ભાજપે 104 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી હતી. આ પરિણામો બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયરની ચૂંટણી થશે, જેની ચૂંટણી કાઉન્સિલરો દ્વારા કરવામાં આવશે. આમ આદમી પાર્ટી પાસે બહુમતીનો આંકડો છે, પરંતુ મેયર સીટ પર પણ ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 


કોણ બનશે હિમાચલના નવા મુખ્યમંત્રી ?


હિમાચલ પ્રદેશમાં સીએમ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ આ રેસમાં આગળ હતા. જો કે હવે સુખવિંદર સિંહ સુખુ સૌથી આગળ જણાવવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે તેમને મોટી સંખ્યામાં ધારાસભ્યોનું સમર્થન છે. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ ટૂંક સમયમાં શિમલામાં શરૂ થવા જઈ રહી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્ય સિંહને કહેવામાં આવ્યું છે કે તેઓ નેતૃત્વ પર દબાણ લાવવા માટે નિવેદનો કરવાથી બચે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાજીવ શુક્લા, ભૂપેન્દ્ર હુડ્ડા, ભૂપેશ બઘેલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ તજિન્દર પાલ સિંહ બિટ્ટુ હિમાચલના રાજ્યપાલને મળ્યા છે.


સુખવિન્દર સિંહ સુખુને પણ ટોચના નેતૃત્વનો વિશ્વાસ પ્રાપ્ત છે, પરંતુ નિરીક્ષકો તેમને મળી રહેલા સમર્થનનું મૂલ્યાંકન કરશે. સુત્રોનું કહેવું છે કે સુખુની તરફેણમાં નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે જો સુખુની આસપાસ સર્વસંમતિ રચાય છે તો સીએમ પદના અન્ય ઉમેદવાર મુકેશ અગ્નિહોત્રી પણ તેમને સમર્થન આપી શકે છે.