Delhi Cabinet Ministers: આમ આદમી પાર્ટી (AAP) નેતા આતિશી 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સાથે હવે ચર્ચા એ પણ ચરમ પર છે કે તેમની સાથે આમ આદમી પાર્ટીના કયા ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી તમામ વર્ગના લોકોને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે બાબત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.


દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન દિલ્હીમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. મુકેશ અહલાવત નવા ચહેરા તરીકે મંત્રી બનશે. મુકેશ અહલાવત દલિત સમુદાયમાંથી આવે છે. તેઓ સુલતાનપુર મજરાથી AAPના ધારાસભ્ય છે. અહલાવત પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે.


મુકેશ અહલાવતને કેમ મંત્રી બનાવવામાં આવ્યા? 


આઉટગોઇંગ કેબિનેટમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈનનો સમાવેશ થાય છે. આઉટગોઇંગ કેજરીવાલ કેબિનેટમાં કોઈ દલિત મંત્રી નથી. કારણ કે રાજેન્દ્ર પાલ ગૌતમે એક નિવેદનને લઈને વિવાદમાં આવ્યા બાદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


તેમની જગ્યાએ રાજ કુમાર આનંદને મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી અરવિંદ કેજરીવાલ સરકારમાં દલિત સમુદાયમાંથી કોઈ મંત્રી નથી. વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ દલિત ચહેરા તરીકે સામે આવ્યા, પરંતુ અહલાવત રેસમાં આગળ નીકળી ગયા.


તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે નવી સરકારના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો છે.


ઉલ્લેખનીય છે કે દારૂ કૌભાંડમાં જામીન પર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામાની જાહેરાત કરતા કેજરીવાલે કહ્યું હતું કે હવે તેઓ જનતાની અદાલતમાં જશે અને જ્યાં સુધી તેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.


આ પણ વાંચો....


Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?