નવી દિલ્લીઃ જો તમારી પાસે પણ બે અલગ-અલગ જન્મ તારીખ વાળું જન્મ પ્રમાણપત્ર છે તો સાવધાન થઈ જાઓ. દિલ્લી હાઈકોર્ટે એક વ્યક્તિના બે અલગ-અલગ જન્મ તારીખવાળા બે જન્મ પ્રમાણપત્ર રાખવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે પોતાના ચુકાદામાં બે જન્મ પ્રમાણપત્ર રાખવાના નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપતાં કહ્યું કે, વ્યક્તિની ઓળખ ફક્ત નામ, માતા-પિતાના નામથી જ નહી પણ, તેની ઓળખ જન્મ તારીખથી પણ થાય છે.
દિલ્લી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવે પોતાના ચુકાદામાં આગળ જણાવ્યું કે, આવા કિસ્સામાં જરુરી છે કે, કોઈ પણ વ્યક્તિને બે અલગ-અલગ જન્મ તારીખવાળા પ્રમાણપત્ર રાખવાની છૂટ ના અપાય.
આ કેસમાં જસ્ટિસ સંજીવ સચદેવે સાઉથ એમસીડીને આદેશ આપ્યો કે, તેઓ અરજીકર્તાના બે જન્મ પ્રમાણપત્રોમાંથી એક જન્મ પ્રમાણપત્ર રદ્દ કરે.
જન્મ પ્રમાણપત્ર ખુબ મહત્વનો દસ્તાવેજઃ
જણાવી દઈએ કે જન્મ પ્રમાણપત્ર કોઈ પણ બાળકનું સૌપ્રથમ ઓળખપત્ર હોય છે. આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આની જરુર ઘણી વખત પડતી હોય છે. જન્મ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ખુબ સરળ હોય છે. બાળકના જન્મના 21 દિવસની અંદર જન્મ પ્રમાણપત્ર બનાવી લેવું જોઈએ. જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે હોસ્પિટલે આપેલું બાળકનુ જન્મ પત્ર અને માતા-પિતાનું ઓળખકાર્ડ હોવું જોઈએ.