નવી દિલ્હીઃ આજથી સંસદના બજેટ સત્રનો બીજો ભાગ શરૂ થઇ રહ્યો છે. સત્ર એવા સમયે શરૂ થઇ રહ્યું છે જ્યારે દિલ્હીમાં હિંસા બાદ સ્થિતિ તો સામાન્ય થવા લાગી છે, પણ રાજનીતિ વધુ ગરમાઇ ગઇ છે. વિપક્ષી દળોએ સ્પષ્ટ કરી દીધુ છે કે, દિલ્હી હિંસા અને અર્થવ્યવસ્થાને લઇને તે સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, સાથે સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની પણ માંગ કરશે.


ખુદ કોંગ્રેસના વચગાળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. એટલે આવામાં આ સત્રમાં આ મુદ્દો છવાયેલો રહી શકે છે. જોકે, આ મુદ્દા પર કોંગ્રેસને કયા કયા પક્ષોનો સાથ મળશે તે હજુ નક્કી નથી થઇ શક્યુ.

સંસદમાં વિપક્ષ દિલ્હી હિંસા અને મોદી સરકાર પાસે નાગરિકતા કાયદો પાછો ખેંચવાની પણ માંગ કરશે. જોકે, સામે સરકારે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે આ મામલે નમવાની નથી.

ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે થઇ હતી. બજેટનુ પ્રથમ સત્ર 11 ફેબ્રુઆરીએ પુરુ થઇ ગયુ હતુ. હવે આજથી બીજુ સત્ર શરૂ થઇ રહ્યું છે.