નવી દિલ્હીઃ ભારતે રશિયા અને પોલેન્ડને પછાડીને અર્મેનિયા સાથે સંરક્ષણ કરાર કરવામાં સફળતા મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કરાર મારફતે ભારત ડીઆરડીઓ દ્ધારા વિકસિત અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્ધારા નિર્મિત 40 મિલિયન ડોલરના હથિયારો અર્મેનિયાને વેચશે. આ હથિયારોની નિકાસ શરૂ થઇ ગઇ છે.


હથિયારોમાં સ્વાતી વેપન લોકેટિંગ રડાર સિસ્ટમ સામેલ છે. આ હથિયારોનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યું છે. હથિયારો માટે રશિયા અને પોલેન્ડે અર્મેનિયાને ઓફર આપી હતી. બંન્ને દેશોએ ટ્રાયલનું પણ આયોજન કર્યું હતું. પરંતુ અર્મેનિયાએ ભારત દ્ધારા બનાવાયેલી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડીલ ફાઇનલ કરી છે.

અર્મેનિયાએ ચાર સ્વાતી વેપન લોકેટિંગ રડાર સિસ્ટમ માટે ભારત સાથે કરાર કર્યા છે. આ રડાર સિસ્ટમ 50 કિલોમીટર સુધી દુશ્મનના હથિયારો, મોર્ટાર, રોકેટની ચોક્કસ સ્થળની જાણકારી આપશે. રડાર એક સાથે વિવિધ સ્થળો પર અલગ અલગ હથિયારોની પણ પ્રોજેક્ટાઇલની જાણકારી મેળવે છે.

ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરમાં સરહદ પર આ રડારનો ઉપયોગ કરી રહી છે. સૈન્યને 2018માં ટ્રાયલ માટે આ સિસ્ટમ આપવામાં આવી હતી. આ કરારથી એક નવું બજાર ખોલવામાં મદદ મળશે. આ હથિયારો યુરોપીય અને અન્ય હરિફોની તુલનામાં ઘણા સસ્તા છે. હથિયારોનું વેચાણ વધારવા માટે સરકાર દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા અને મધ્યપૂર્વ દેશો પર નજર રાખી રહી છે. વડાપ્રધાન મોદી દ્ધારા 35000 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.