નવી દિલ્હીઃ દિલ્હીમાં પેટ્રોલ પંપની હડતાળને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. કેજરીવાલે હડતાળ પાછળ બીજેપીના કાવતરાનો આરોપ લગાવ્યો છે.કેજરીવાલે ટ્વિટ કરી પેટ્રોલ પંપ માલિકોની હડતાળ બીજેપી પ્રાયોજીત ગણાવી હતી અને કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડિઝલની કિંમતોને જીએસટીમાં લાવવાની માંગ કરી હતી. એક પછી એક ટ્વિટ કરીને કેજરીવાલે મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.
કેજરીવાલે એક અન્ય ટ્વિટમાં પૂછ્યું હતું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ કેમ લાવી રહી નથી. સાથે કેજરીવાલે ચાર રાજ્યોમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવની યાદી પોતાના ટ્વિટર પેજ પર જાહેર કરી હતી. કેજરીવાલે ટ્વિટ કરી પૂછ્યું હતું કે, ઇંધણની કિંમતો દિલ્હીમાં સૌથી ઓછી છે. એવામાં મુંબઇમાં પેટ્રોલ પંપ માલિકોએ હડતાળ કેમ ના કરી જ્યાં ઇંધણના ભાવ સૌથી વધુ છે? કારણ કે મુંબઇમાં બીજેપીની સત્તા છે અને દિલ્હીમાં બીજેપી હડતાળ કરાવી રહી છે. બીજેપીએ દિલ્હીવાસીઓ પાસે માફી માંગવી જોઇએ. નોંધનીય છે કે દિલ્હીમાં આજે પેટ્રોલ પંપ માલિકોએ હડતાળ પાડી છે જેનાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.