નવી દિલ્હી: દિલ્હી પોલીસે છ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જેમાંથી બે આતંકીએ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ આતંકીઓની ધરપકડ કરી છે. એક ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે કાર્યવાહી કરી છે. સ્પેશલ સેલને સૂચના મળી હતી કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપના લોકો દિલ્હીની આસપાસના વિસ્તારમાં બ્લાસ્ટ કરવા માંગે છે અને તેમના નિશાના ઉપર ભીડભાડવાળા વિસ્તારો છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે આ ઘટનાને લઈ અનેક રાજ્યોમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન સમયે બે આતંકવાદી ઉપરાંત અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રીતે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી ષડયંત્ર સાથે સંડોવાયેલા લોકોની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ શંકાસ્પદ લોકો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. પાકિસ્તાન આધારિત આતંકવાદી મોડ્યુલના બે સભ્યો પાકિસ્તાનીઓના ઈશારે કામ કરતા હતા. તહેવારો સમયે ભીડમાં વિસ્ફોટ કરવા ઈચ્છતા હતા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ તહેવારની સિઝનમાં વિસ્ફોટ કરવાની યોજના ધરાવતા હતા. નવરાત્રી અને રામલીલા સમયે ભીડવાળી જગ્યાને નિશાન બનાવવા ઈચ્છતા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો,હથિયાર તથા હાઈ ક્વાલિટી પિસ્તોલ પણ મળી આવી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે અમારી પાસે 10 ટેકનિકલ ઈનપુટ હતા. સૌથી પહેલા મહારાષ્ટ્રના સલેમને પકડવામાં આવ્યો. બે વ્યક્તિની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી પણ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી બે વ્યક્તિ મસ્કત ગયેલી. જ્યાંથી તે જહાજમાં પાકિસ્તાન ગયેલા. ત્યાં ફાર્મ હાઉસમાં રહી વિસ્ફોટકો તૈયાર કરવા અને એકે 47 ચલાવવાની 15 દિવસની તાલીમ લીધી હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે પાકિસ્તાથી આ તમામ મસ્કત પરત ફર્યાં. મસ્કતથી બાંગ્લા બોલનાર 15 લોકોને પાકિસ્તાન લઈ જવાયા હતા. તેમને તાલીમ આપવામાં આવી હોવાની શક્યતા છે. તેમની બે ટીમ બનાવવામાં આવી હતી. એકને અનીસ ઈબ્રાહિમ કોઓર્ડિનેટ કરતો હતો. તેનું કામ સરહદ પારથી આવતા હથિયારોને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવાનું હતું અને અન્ય એક ટીમનું કામ હવાલા મારફતે ભંડોળ એકત્રિક કરવાનું હતું.