નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. થનબર્ગ પર આરોપ છે કે, તેણે ખેડૂત આંદોલનને લઈ ભડકાઉ ટ્વિટ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હોલિવૂડની પોપ સિંગર રિહાના બાદ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત અનેક વૈશ્વિક હસ્તીઓએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા. તેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને આ મુદ્દે કમેન્ટ કરતા પહેલા તથ્યની તપાસ કરવા કહ્યું હતું.

સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એક અહેવાલની લિંક શેર કરીને કહ્યું હતું કે, “અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રતિ એકજૂથ છે.” સાથે તેણે કહ્યું હતું કે, જે લોકોને મદદની જરૂર છે તેના માટે ટુલકિટ (સોફ્ટવેર) શેર કરવામાં આપ્યું છે.



આ ટૂલકિટ ઉપયોગકર્તાને પ્રદર્શનનું સમર્થન કરવાની રીતોની વિસ્તૃત જાણકારીવાળા દસ્તાવેજ સુધી પહોંચ ઉપલબ્ધ કરાવે છે. આ પહેલા રિહાનાએ ખેડૂત આંદોલનને લઈને કહ્યું હતું, આપણે આ મુદ્દે વાત કેમ નથી કરી રહ્યાં. તેના ટ્વિટ બાદ હોબાળો મચી ગયો હતો અને અનેક બોલિવૂડ હસ્તીઓએ તેની સામે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી હતી.

વિદેશી હસ્તીઓના ટ્વિટ બાદ ભારતનું કહેવું છે કે, આ દેશ વિરોધી પ્રોપગેન્ડા છે. બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતને નિશાન બનાવનાર પ્રેરિત અભિયાન ક્યારેય સફળ નહીં થાય. આ ટ્વીટ સાથે તેમણે હેશટેગ ‘ઈન્ડિયા ટૂગેધર’, ઈન્ડિયા અગેઈન્સ્ટપ્રોપગેન્ડા નો ઉપયોગ કર્યો હતો.