નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલીને પોલીસે મંજૂરી આપી દીધી છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, ખેડૂત દિલ્હીમાં પ્રવેશ કરશે અને શાંતિપૂર્ણ માર્ચ કરશે. પરેડનો રૂટ આવતીકાલે નક્કી થશે. શનિવારે ખેડૂત નેતાઓ અને પોલીસ વચ્ચે બેઠક મળી હતી.

બેઠક બાદ સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂતો આ દેશમાં પહેલીવાર ગણતંત્ર દિવસે પરેડ કરશે. પાંચ તબક્કાની વાતચીત બાદ આ તમામ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તમામ બેરિકેડ ખુલશે, અમે દિલ્હીની અંદર જઈશું અને માર્ચ કરીશું. રૂટ અંગે સહમતિ બની ગઈ છે.

ખેડૂત નેતાએ કહ્યું કે, 26 જાન્યુઆરીએ ઐતિહાસિક પરેડ થશે. દેશની આન-બાન-શાન પર કોઈ અસર નહીં પડે. ખેડૂતોએ કહ્યું કે, પોલીસને બેરીકેડ તોડવાની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ પોલીસ ખુદ તેને હટાવવા માટે માની ગઈ છે. આ ખેડૂતોની જીત છે. દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને પરેડ પર પણ ઝૂકવું પડ્યું છે.

ખેડૂતોએ કહ્યું કે, દિલ્હીની ખેડૂત પરેડને સમગ્ર દુનિયા જોશે. સાથે તેમણે શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પરેડનું ટાઈમિંગ હાલમાં નક્કી કરવામાં આવ્યું નથી. પરેડ 24 કલાકથી લઈને 72 કલાક સુધી ચાલશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, અમે અમારા દિલની ભાવના વ્યક્ત કરવા માટે 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીની અંદર જઈશું. એક એવી ઐતિહાસિક પરેડ હશે. જેને ભારતે ક્યારેય નહીં જોઈ હોય.