Sidhu Moose wala Murder Case: દિલ્હીની કોર્ટે પંજાબ પોલીસને લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવાની મંજૂરી આપી છે. બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર, કોર્ટે કહ્યું છે કે પંજાબ પોલીસ કોર્ટમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરશે, તે પછી અરજી પર વિચાર કરવામાં આવશે. આ પહેલા દિલ્હી પોલીસે આજે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. તો સાથે જ પંજાબ પોલીસની ટ્રાન્ઝિટ રિમાન્ડ અરજી પર કોર્ટમાં દલીલો પૂરી થયા બાદ બિશ્નોઈની ધરપકડનો આદેશ આપવામાં આવ્યો છે.


બીજી તરફ કોર્ટમાં દિલ્હી પોલીસે કહ્યું કે, અમે જે કેસમાં પૂછપરછ કરી રહ્યા છીએ તેમાં અમને કંઈ ખાસ જાણવા મળ્યું નથી, તેથી અમને બિશ્નોનીની કસ્ટડીની હજી પણ જરૂર છે. તો પંજાબ પોલીસે પણ કોર્ટમાં બિશ્નોઈના રિમાન્ડની માંગણી કરી હતી. પંજાબ પોલીસના એડવોકેટ જનરલે લોરેન્સ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી દાખલ કરી, પંજાબ પોલીસે સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો.


સોશિયલ મીડિયા પર એક વીડિયોનો ઉલ્લેખ કરતા પંજાબ પોલીસે કહ્યું કે, આ વીડિયોમાં લોરેન્સ બિશ્નોઈએ એક હત્યાની જવાબદારી લીધી છે. બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેણે આ હત્યા કરી છે. આના પર કોર્ટે પૂછ્યું કે, શું બિશ્નોએ પોતે સ્વીકાર્યું છે? તેના પર વકીલે કહ્યું કે, લોરેન્સે પોતે કહ્યું છે કે, તેણે ગોલ્ડી બરાર સાથે મળીને હત્યા કરાવી છે.


પંજાબ પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડની પણ માંગણી કરીઃ
પંજાબ પોલીસે તમામ ગંભીર કેસોમાં બિશ્નોઈ અને ગોલ્ડી બરાર સંડોવાયેલા હોવાનું જણાવીને ટ્રાન્ઝિટ રિમાન્ડની માગણી કરી હતી. પંજાબ પોલીસની 16 પોલીસ કર્મચારીઓની ટીમ દિલ્હી આવી હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. પંજાબ પોલીસના વકીલે કોર્ટમાં કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈએ હત્યા કરાવી છે. તો દિલ્હી પોલીસે એ પણ કહ્યું છે કે, જે લોકો લોરેન્સ અને ગોલ્ડીની નજીક છે, તેઓ અલગ-અલગ સ્તરે આમાં સંડોવાયેલા છે. આ સંગઠિત અને આયોજનબદ્ધ હત્યા છે. આ હત્યા વિક્રમજીત સિંહની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી છે.