નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 34 દિવસોથી દિલ્હીના શાહીન બાગમાં ધરણા પ્રદર્શનના નામ પર રસ્તો રોકી બેસેલી મહિલાઓને એકવાર ફરી દિલ્હી પોલીસે રસ્તો ખાલી કરવાની અપીલ કરી છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અપીલ કરતા કહ્યું કે, અમે ફરીથી પ્રદર્શનકારીઓને આગ્રહ કરીએ છીએ કે તે જનહિતમાં સહયોગ કરે અને રસ્તાને ખાલી કરી દે. નોંધનીય છે કે આ અગાઉ પણ પોલીસે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને રસ્તા પરથી હટવાની અપીલ કરી હતી. પરંતુ પ્રદર્શનકારી મહિલાઓ રસ્તા પરથી હટવા તૈયાર નથી.
દિલ્હી પોલીસે ટ્વિટ કરી કહ્યું હતું કે, અમે પ્રદર્શનકારીઓને ફરીથી અપીલ કરીએ છીએ કે તે શાહીન બાગનો રોડ નંબર-13 બંધ થવાથી દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ, વરિષ્ઠ નાગરિકો, દર્દીઓ અને સ્કૂલ જનારા બાળકોની મુશ્કેલીઓ વિશે વિચારે. આ મામલો દિલ્હી હાઇકોર્ટ સમક્ષ પહોંચી ચૂક્યો છે.


બીજી તરફ રસ્તો બંધ થવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે પાડોશી રાજ્યમાંથી દિલ્હી આવનારા કોમર્શિયલ વાહનોને પણ પરેશાની થઇ રહી છે. નોંધનીય છે કે શાહીન બાગમાં છેલ્લા 34 દિવસોથી સીએએ અને એનઆરસી વિરુદ્ધ લોકો વિરોધ કરી રહ્યા છે.