નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચુંટણીને લઈને આજે કૉંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ઉમેદવારોના નામને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને આજે બેઠક યોજાશે. દિલ્હી વિધાનસભા ચુંટણીમા ઉમેદવારી પત્ર ભરવા માટે માટે ચાર દિવસનો સમય બાકી છે. જેને લઈને કોંગ્રેસ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જ્યારે ભાજપે શુક્રવારે 57 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.


કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર 18 જાન્યુઆરીએ પાર્ટી કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામા આવશે. જેમાં પક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહેશે. દિલ્હીમાં અમુક બેઠકો પર રાષ્ટ્રીય જનતા દળ સાથે ગઠબંધનની અટકળો લગાવવામા આવી રહી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી.

કોંગ્રેસે 70 વિધાનસભા બેઠક માટે પ્રચાર સમિતિની પણ રચના કરી છે અને તે બેઠક મુજબ કાર્ય કરશે. આ ઉપરાંત કોંગ્રેસે શુક્રવારે વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ વાલી દિલ્હીના નામથી ઈલેકશન કેમ્પેઈન સોંગ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે દિલ્હી કોંગ્રેસના પ્રમુખ સુભાષ ચોપડા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સોશીયલ મીડિયાના ચેરમેન રોહન ગુપ્તા અને કોંગ્રેસ નેતા મુકેશ શર્મા હાજર રહ્યા હતા.