નવી દિલ્હીઃ રશિયા ભારતને 2025 સુધીમાં તમામ S-૪૦૦ ડિફેન્સ મિસાઇલ્સ સિસ્ટમ્સ પૂરી પાડશે.રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમાન બકસ્કીએ આ  જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયાએ ભારત માટે  S-૪૦૦ મિસાઇલ્સનું ઉત્પાદન  શરૂ કરી દીધું છે અને તે ભારતને ૨૦૨૫ સુધીમાં તમામ S-૪૦૦ ડિફેન્સ મિસાઇલ્સ સિસ્ટમ્સ પૂરી પાડશે.ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર ૨૨ અને ૨૩ માર્ચે રશિયા-ભારત અને ચીનની  ત્રિપક્ષીય મંત્રણામાં હાજરી આપવાના છે.

ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-૪૦૦નું ઉત્પાદન આલ્માઝ- એન્ટિ દ્ધારા કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ એક સાથે ૩૬ નિશાન તાકી શકે છે. આ સિસ્ટમથી એક સાથે ૭૨ મિસાઇલ્સ છોડી શકાય છે. S-૪૦૦ મિસાઇલ્સ ખાસ કરીને S-૩૦૦ અને PMU-૨ એર ડિફેન્સ મિસાઇલ્સ આધારિત છે. હાલમાં આ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ રશિયન આર્મી કરી રહી છે.આ મિસાઇલ્સ સિસ્ટમ ૬૦૦ કિ.મી. દૂર સુધી ટાર્ગેટને શોધી શકે છે. આ સિસ્ટમ સાથેની બેલેસ્ટિક મિસાઇલ્સ ૫થી ૬૦ કિ.મી. સુધી ટાર્ગેટને તોડી શકે છે.


નોંધનીય છે કે રશિયાએ ફરીવાર કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો. રશિયાના રાજદૂત નિકોલ સુદશેવે કહ્યું હતું કે  કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે અને તે ભારતનાં બંધારણના દાયરામાં આવે છે. ત્યાં સ્થિતિની સમીક્ષા કરવા માટે કાશ્મીરની મુલાકાત લેવાની જરૂર નથી. અમે કયારેય કાશ્મીર મુદ્દે શંકા વ્યકત કરી નથી.