એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2020 08:04 AM (IST)
દિલ્હીમાં 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, 11મી ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. ચૂંટણી મેદાનમાં આપની સામે બીજેપી અને કોંગ્રેસ જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પોતાની પુરેપુરી તાકાત લગાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી વિધાનસભાના ચૂંટણી જંગમાં એન્ટ્રી થવા જઇ રહી છે. પીએમ મોદી આજે દિલ્હીના કડકડડૂમાના સીબીડી ગ્રાઉન્ડમાં ચૂંટણી સભા કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં પીએમ મોદીની આ પહેલા ચૂંટણી રેલી છે. પીએમ મોદીની ચૂંટણી રેલી એવા સમયે થવા જઇ રહી છે, જ્યારે સીએએ અને એનઆરસીને લઇને શાહીન બાગ સહિત દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસોમાં જામિયા અને તેની આસપાસના વિસ્તારોમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ ઘટી છે. આવા માહોલમાં વડાપ્રધાનની રેલી પર બધાની નજર ટકેલી છે. દિલ્હીમાં 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, 11મી ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. ચૂંટણી મેદાનમાં આપની સામે બીજેપી અને કોંગ્રેસ જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે.