નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુરમાં કન્યા ગૃહમાં 34 બાળકીઓ સાથે યૌન શોષણના વિરોધમાં જંતર મંતર પર RJD પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં આપ, CPI(M), CPI, INLD સહિત 7 પાર્ટીઓના નેતા સામેલ થયાં હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ પ્રદર્શનમાં સામેલ થયા હતા. કેજરીવાલે આરોપીઓને ત્રણ મહિનામાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે. રાહુલ ગાંધી કેન્ડલ માર્ચમાં સામેલ થયા હતા.
રાહુલ ગાંધીએ મુઝફ્ફરકાંડને લઈ નીતિશ સરકારને આડે હાથ લીધી તો બીજેપી-આરએસએસ પર પ્રહાર કરવાનું પણ ન ભૂલ્યા. રાહુલે કહ્યું કે, એક તરફ બીજેપી અને આરએસએશ છે તો બીજી તરફ સમગ્ર હિન્દુસ્તાન ઉભું છે. 2019માં વિપક્ષી એકતાનો સંકેત આપતા રાહુલે કહ્યું કે આગળ પણ સમગ્ર દેશમાં આ જોવા મળશે. છેલ્લા ચાર વર્ષમાં જે કંઈ પણ થયું છે તે કોઈને સારું લાગ્યું નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘આજે આપણે ભારતમાં દરેક મહિલાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવા આવ્યા છીએ. દેશમાં મહિલાઓ સામે એક વિચિત્ર માહોલ બની ગયો છે. અમે દેશની જનતા, ગરીબ, ખેડૂતો, મહિલા અને દીકરીઓ સાથે ઉભા છીએ. મીડિયા ભયભીત છે, તેઓ ધમકી આપી રહ્યા છે. ભયભીત છે અને જ્યારે તેઓ તેમનું કાર્ય કરે છે, ત્યારે તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે. મીડિયા તેમનું કામ કરે, હું તેમની સાથે ઉભો છું. આગામી વર્ષોમાં વડાપ્રધાન અને તેમના પક્ષના લોકોને સત્ય દેખાશે.’’
કેજરીવાલે કહ્યું ક, કન્યા ગૃહમાં 40 નિર્ભયા સાથે દુષ્કર્મ થયું છે. સરકાર પાસે આ માહિતી આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોપીઓના ઘણા મોટા નેતાઓ સાથે સંબધ છે, તેમને ફાંસીની સજા આપવી જોઇએ. ગુનો કરનારાઓ તો દોષી છે પણ તેમને બચાવનાર પણ એટલા જ દોષી છે. સોશિયલ મીડિયા પર ભાજપે તેમની પાર્ટીની મહિલાઓને પણ છોડી ન હતી. સુષમા સ્વરાજને ટ્રોલ કરી હતી.