Rajendra Nagar Bypoll Result: દેશની રાજધાની દિલ્હીની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર જીત હાંસલ કરી છે. રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આપ પાર્ટીએ 11 હજારથી વધુ મતોના માર્જિનથી જીત નોંધાવી છે. પાર્ટીના ઉમેદવાર દુર્ગેશ પાઠકે 11 હજાર 555 મતથી જીત મેળવી છે. નોંધનીય છે કે રાજેન્દ્ર નગર વિધાનસભા સીટથી ધારાસભ્ય રહેલા રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ચૂંટાયા બાદ રાજીનામું આપી દીધું હતું. આ ખાલી પડેલી સીટ પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો.




પ્રારંભિક મતગણતરીમાં ભાજપ આમ આદમી પાર્ટીને ટક્કર આપી રહ્યો હતો પરંતુ ચાર રાઉન્ડ બાદ આમ આદમી પાર્ટીએ લીડ મેળવી લીધી હતી, જે બાદ હવે દુર્ગેશ પાઠકનો વિજય થયો હતો. રાઘવ ચઢ્ઢાએ દુર્ગેશ પાઠકની જીત પર ટ્વીટ કરીને કહ્યું, 'હું રાજેન્દ્ર નગર વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોનો આભાર માનું છું. આજની પેટાચૂંટણીની જીત 'કેજરીવાલ મોડલ ઑફ ગવર્નન્સ'ની પુષ્ટિ છે. મારા ભાઈ દુર્ગેશ પાઠકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.




અરવિંદ કેજરીવાલે એડીચોટીનું જોર લગાવ્યું હતું


ઉલ્લેખનીય છે કે  રાઘવ ચઢ્ઢાની આ સીટ પર 23 જૂને પેટાચૂંટણી યોજાઈ હતી. માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સીટ જીતવા માટે પૂરા પ્રયાસ કર્યા હતા. કેજરીવાલ પોતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. અરવિંદ કેજરીવાલે લગભગ 3 દિવસ સુધી રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ માટે પ્રચાર કર્યો હતો.