Delhi red fort blast case investigation update: દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને મોટી સફળતા મળી છે. એજન્સીએ તે વ્યક્તિની ધરપકડ કરી છે જેણે આત્મઘાતી બોમ્બર સાથે મળીને આતંકવાદી કાવતરું ઘડ્યું હતું.
ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે. વિસ્ફોટમાં વપરાયેલી કાર તેના નામે નોંધાયેલી હતી. NIA એ તેને દિલ્હીમાં પકડી લીધો હતો. શરૂઆતમાં દિલ્હી પોલીસ દ્વારા વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી હતી પરંતુ બાદમાં કેસ NIA ને સોંપવામાં આવ્યો હતો. કેસ સંભાળ્યા પછી NIA એ એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આમીરની ધરપકડ કરવામાં આવી.
તપાસમાં જાણવા મળ્યું કે આમિર જમ્મુ અને કાશ્મીરના પમ્પોરના સાંબુરાનો રહેવાસી છે. તેણે પુલવામાના ઉમર ઉન નબી નામના વ્યક્તિ સાથે મળીને આ હુમલાની યોજના બનાવી હતી. આમિર તે કાર ખરીદવામાં મદદ કરવા માટે દિલ્હી આવ્યો હતો જેનો ઉપયોગ પાછળથી વિસ્ફોટ માટે IED તરીકે કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટ પહેલા ઉમર દિલ્હીમાં 43 સ્થળોએથી પસાર થયો હતો.
ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ આમીરની અટકાયત કરવામાં આવી હતી. જોકે, વ્યાપક પૂછપરછ બાદ તેની ભૂમિકા સ્થાપિત થઈ ગઈ અને રવિવારે તેની ધરપકડ કરવામાં આવી.
આત્મઘાતી બોમ્બરની ઓળખ
ફોરેન્સિક તપાસ દ્ધારા NIA એ વિસ્ફોટ સમયે કારમાં રહેલા ડ્રાઇવરની ઓળખ કરી છે. તેની ઓળખ ઉમર ઉન નબી તરીકે થઈ છે. ઉમર પુલવામાનો રહેવાસી હતો અને હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં સહાયક પ્રોફેસર હતો. આનો અર્થ એ થયો કે ડૉક્ટર પોતે આતંકવાદી કાવતરામાં સામેલ હતો.
અન્ય વાહનો જપ્ત, તપાસ ચાલુ
NIA એ ઉમર ઉન નબીનું બીજું વાહન પણ જપ્ત કર્યું છે. હવે વધુ પુરાવા એકત્રિત કરવા માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એજન્સીએ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો સહિત 73 સાક્ષીઓની મુલાકાત લીધી છે. 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો હતો.
NIA દ્ધારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં હુમલામાં માર્યા ગયેલા કુલ 10 લોકોની યાદી આપવામાં આવી છે. જો કે, અધિકારીઓએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા.