નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજધાની દિલ્હીમા રવિવારે કોરોના વાયરસના નવા 2889 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે વધુ 65 લોકોના મોત થયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 83077 પર પહોંચી છે.


છેલ્લા 24 કલાકમાં 3306 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 52607 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના વાયરસના કારણે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 2623 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં હાલ 27847 એક્ટિવ કેસ છે.



અમિત શાહે કહ્યુ કે, દિલ્હીમાં કમ્યૂનિટી ટ્રાન્સમિશનની કોઇ સ્થિતિ નથી. ચિંતા કરવાની કોઇ આવશ્યકતા નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નિવેદન આપ્યું હતું કે, 31 જૂલાઇ સુધી દિલ્હીમાં 5.5 લાખ કોરોનાના કેસ હશે.

અમિત શાહે કહ્યું કે, મે 14 તારીખે કોર્ડિનેશનની બેઠક કરી હતી. દિલ્હી સરકાર, એમસીડી અને ભારત સરકાર વચ્ચે સમન્વય માટે આ બેઠક જરૂરી હતી. ભારત સરકાર તેમાં મદદ કરી શકે તેમ હતી. અનેક નિષ્ણાંતોની મદદ લઇ શકાય છે. એટલા માટે કોરોના વિરુદ્ધ વ્યાપક અભિયાન માટે અમે બેઠક કરી હતી. આજે હું કહી શકું છું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રીનું જે નિવેદન હતું એવી સ્થિતિ હવે દિલ્હીમાં નહી આવે.