નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. મણિપુર સરકારે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મણિપુરમાં 15 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે જણાવ્યું હતું કે, 1-15 જૂલાઈ સુધી એટલે કે, 15 દિવસ માટે વધુ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.




ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 30 જૂન બાદ પણ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. રાજ્યના લોકોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 30 જૂન બાદ પણ લોકડાઉન હટશે નહીં.

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 5 લાખ 28 હજાર 859 થયા છે અને મૃતકોની સંખ્યા 16 હજાર 95 પર પહોંચી ગઈ છે. મંત્રાલયે જણાવ્યું કે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા સારવાર કરતા દર્દીઓની તુલનામાં એક લાખ 6 હજાર 661 સુધી વધી ગઈ છે.