Monkeypox Cases in Delhi: દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, 31 વર્ષીય નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે તે દેશની પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે, મહિલાને તાવ અને હાથ પર ઘા છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે મહિલામાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ હતી. આ મહિલાએ તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા કરી હોવાની કોઈ માહિતી મળી નથી.
રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 4 લોકોમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરળ રાજ્યમાં પણ અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી અને કેરળની હોસ્પિટલમાંથી એક-એક દર્દીને રજા આપવામાં આવી છે. તો કેરળમાં મંકીપોક્સના કારણે એક દર્દીનું મોત પણ થયું છે.
આરોગ્ય મંત્રાલયની સલાહ
મંકીપોક્સના વધતા જતા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ વાયરસને ફેલાતો અટકાવા માટે 'શું કરવું' અને 'શું ના કરવું' તેની યાદી બહાર પાડી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અથવા વારંવાર ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેને પણ ચેપ લાગી શકે છે.
મંત્રાલયે કહ્યું કે, સંક્રમિત થવાથી બચવા માટે સંક્રમિત વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવો જોઈએ. આ ઉપરાંત, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક અને મોજા પહેરવા એ કેટલાક પગલાં છે જે રોગને રોકવા માટે લેવા જોઈએે.
મંત્રાલયે કહ્યું કે, જે લોકો ચેપગ્રસ્ત જણાયા છે, તેમની સાથે રૂમાલ, પથારી, કપડાં, ટુવાલ અને અન્ય વસ્તુઓ શેર કરવાનું ટાળવું જોઈએ. મંકીપોક્સથી સંક્રમિત દર્દીઓ અને સ્વાસ્થ વ્યક્તિઓના ગંદા કપડા એકસાથે ન ધોવા અને જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળવાની પણ સલાહ આપી હતી. મંત્રાલયે કહ્યું, “સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓ વચ્ચે ભેદભાવ ન કરો. આ સિવાય કોઈપણ અફવા કે ખોટી માહિતી પર વિશ્વાસ ન કરો.