National Herald Case: દિલ્હીમાં 'નેશનલ હેરાલ્ડ' અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલે મંગળવારે નેશનલ હેરાલ્ડ હાઉસ પર EDએ દરોડા પાડ્યા બાદ, આજે EDએ નેશનલ હેરાલ્ડ હાઉસમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીના પરિસરને અસ્થાયી રૂપે સીલ કરી દીધું. એજન્સીએ કહ્યું કે, પરવાનગી લીધા પછી જ જગ્યા ખોલી શકાશે. 


દરમિયાન, અકબર રોડ પર કોંગ્રેસના મુખ્યાલયની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમાચાર મળતા જ મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ અને અન્ય નેતાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. સલમાન ખુર્શીદે કહ્યું કે, તેમને ખબર નથી કે અચાનક બેરિકેડિંગનું કારણ શું છે?


કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિડિયો ટ્વીટ કરીને કહ્યું, "દિલ્હી પોલીસ દ્વારા AICC હેડક્વાર્ટરનો રસ્તો રોકવો એ અપવાદને બદલે સામાન્ય બની ગયો છે! તેમણે આવું કેમ કર્યું તે રહસ્યમય છે..."






સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની થઈ હતી પુછપરછ


EDએ મંગળવારે નેશનલ હેરાલ્ડ-AJL-યંગ ઈન્ડિયન ડીલ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દિલ્હીના ITO નજીક બહાદુર શાહ ઝફર માર્ગ પરના હેરાલ્ડ હાઉસ ખાતે નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર એસોસિએટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) દ્વારા પ્રકાશિત થાય છે અને યંગ ઈન્ડિયન આ કંપનીમાં હિસ્સો ધરાવે છે. નેશનલ હેરાલ્ડ એજેએલના નામે નોંધાયેલ છે. મની લોન્ડરિંગના આ મામલામાં થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.