મનમોહન સિંહે દિલ્હી હિંસાને ગણાવી રાષ્ટ્રીય શરમ, કહ્યુ- સરકારને રાષ્ટ્રપતિ યાદ અપાવે રાજધર્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Feb 2020 04:51 PM (IST)
આ બેઠક બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને દિલ્હી હિંસાને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના નામ પર થયેલી હિંસા પર કોગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગુરુવારે એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને દિલ્હી હિંસાને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી અને કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, દિલ્હી હિંસા મામલા પર અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી જે દિલ્હીમાં થયું છે તે એક રાષ્ટ્રીય શરમ છે. આ સીધી રીતે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહન સિંહે કહ્યું , અમે રાષ્ટ્રપતિજીને કહ્યું છે કે તે પોતાની તાકાતનો ઉપયોગ કરે, કેન્દ્ર સરકાર સાથે વાત કરે અને રાજધર્મની રક્ષા કરવાનું કહે. દિલ્હી હિંસા મામલા પર કોગ્રેસ મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. સોનિયા ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સોનિયાએ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પર નિશાન સાધી કહ્યું કે, હિંસા દરમિયાન બંન્ને સરકારો ચૂપ રહી.