નવી દિલ્હીઃ દિલ્હીના મૌજપુરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ગૃહમંત્રાલયે નિવેદન આપ્યું છે. દેશના ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ કહ્યુ છે કે આ દુનિયામા ભારતની છબિ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસનો હેડ કોન્સ્ટેબલ શહીદ થઇ ગયો છે. કોગ્રેસ પાર્ટી અને કેટલાક રાજકીય દળોને પૂછવા માંગું છું કે તેની જવાબદારી કોણ લેશે. આ ભારતની છબિને ખરાબ કરવાનું કાવતરું છે. હું તેની નિંદા કરું છું. શાંતિપૂર્ણ વિરોધ કરવો તમારો અધિકાર છે પરંતુ આ રીત નથી. આ ક્યા પ્રકારનો વિરોધ છે. હું ચેતવણી આપું છું કે હિંસા કરનારા અને આગ ચાંપનારાઓને સહન કરવામાં નહી આવે અને કડક કાર્યવાહી કરવામાં  આવશે. દિલ્હી પોલીસને દોષિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.




દિલ્હીમાં હિંસાને લઇને ગૃહ મંત્રાલય સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને સ્થિતિની જાણકારી લઇ રહ્યુ છે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક કંન્ટ્રોલ રૂમમાં છે અને ગ્રાઉન્ડ પર અધિકારીઓ પાસેથી બ્રીફિંગ લઇ રહ્યા છે. નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં બે દિવસના ભારત પ્રવાસ પર છે. આ વચ્ચે નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ શરૂ થયો હતો.