નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસામાં 40 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે હાલ સ્થિતિ સામાન્ય છે. આ ઘટનાને લઈ 7 વિપક્ષી દળોના નેતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ભડકાઉ ભાષણ આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ વિપક્ષી દળોના નેતાએ રાષ્ટ્રપતિને દિલ્હી હિંસા મામલે હસ્તક્ષેપ કરી એલજીને નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે. આ પહેલા આ નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. જ્યારે 2 માર્ચ સુધી રાષ્ટ્રપતિના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેઓને મળવાની મંજૂરી મળી નથી.

સીપીએમના નેતા સીતારામ યેચુરી, સીપાઆઈના ડી રાજા, ડીએમકેના ટીઆર બાલુ, પ્રફુલ્લ પટેલ, AAP નેતા સંજય સિંહ, રાજદના મનોજ કુમાર ઝા અને શરદ યાદવે પત્રના માધ્યથી જણાવ્યું કે દિલ્હી હિંસામાં અનેક લોકો હિંસાના શિકાર બન્યા છે. તેઓનું કહેવું છે કે, એલજીને પીડિતોના રાહત માટે શિબિરની વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવે. સાથે પ્રભાવિત લોકોને જરૂરી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે હિંસા પ્રભાવિત લોકોને સહાય આપવાની માંગ કરી છે.

આ ઉપરાંત આ રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો છે કે, તેઓ અધિકારીઓને હિંસા પ્રભાવિત વિસ્તારમાં શાંતિ કાર્યક્રમોનું આયોજન કરવાની મંજૂરી આપવાના નિર્દેશ આપે. ઉચ્ચ ન્યાયાલની દેખરેખમાં ન્યાયિક તપાસના આદેશ આપે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે, દિલ્હીમાં થયું છે તે એક રાષ્ટ્રીય શરમ છે. આ સીધી રીતે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહન સિંહે કહ્યું, અમે રાષ્ટ્રપતિજીને કહ્યું છે કે તે પોતાની શક્તિનો ઉપયોગ કરે, કેન્દ્ર સરકાર સાથે વાત કરે અને રાજધર્મની રક્ષા કરવાનું કહે.