નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત અક્ષયે ફાંસીના ત્રણ દિવસ અગાઉ એકવાર ફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયા અરજી કરી છે. દોષિત અક્ષયે રાષ્ટ્રપતિ પાસે ફરીવાર દયા અરજી કરી છે.  આ અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદે નિર્ભયાના દોષિત અક્ષયની દયા અરજી ફગાવી દીધી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર હવે દોષિત અક્ષયે નવી દયા અરજી કરી છે જેમાં તેણે દાવો કર્યો છે કે પ્રથમ દયા અરજીમાં તમામ તથ્યો નહોતા.


નિર્ભયાના દોષિત અક્ષયે ફાંસીથી બચવા માટે નવો  પેંતરો રચ્યો છે. વાસ્તવમાં નિર્ભયાના દોષિતોને  ત્રણ માર્ચના  રોજ સવારે છ વાગ્યે ફાંસી આપવાનું ડેથ વોરંટ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી પર આદેશ આપ્યો હતો.


તે સિવાય શુક્રવારે નિર્ભયાના દોષિત પવન કુમારે ફાંસીથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે જેમાં તેણે ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાની માંગ કરી છે. પવન કુમારના વકી એપી સિંહે દલીલ કરી હતી કે ગુના સમયે પવન કુમાર સગીર હતો અને મોતની સજા તેને આપી શકાય નહીં.