નવી દિલ્હીઃ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગઇકાલે રમખાણોની અફવા બાદ દિલ્હી પોલીસે 24 લોકોની ધરપકડ કરી છે. આ મામલામાં નોર્થ-ઇસ્ટ દિલ્હીમાંથી 21, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટથી બે અને રોહિણીથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે એફઆઇઆર દાખલ કરી છે. દિલ્હીમાં રવિવારે રાત્રે અચાનક અફવા ફેલાતા ડર ફેલાઇ ગયો હતો. લોકોએ પોત-પોતાની દુકાનો બંધ કરી લીધી હતી. દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશન બંધ કરી દીધા હતા. ત્યારબાદ પોલીસે મોરચો સંભાળ્યો હતો અને કહ્યું હતું કે, આ ફક્ત એક અફવા છે.
ઓખલાના બટલા હાઉસ વિસ્તારમાં અફવાઓના કારણે ભાગદોડ મચી ગઇ હતી જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બોડીને પોસ્ટમોર્ટમ માટે એઇમ્સ મોકલી દેવામાં આવી છે. મૃતકનું નામ હબીબુલ્લાહ બતાવવામાં આવી રહ્યું છે જેની ઉંમર 32 વર્ષ છે અને તે ભાગલપુરનો રહેવાસી છે. તે કોઇ ટેલરને ત્યાં કામ કરતો હતો.
સૂત્રોના મતે ભાગદોડ બાદ શહાબ મસ્જિદ બાટલા હાઉસ પાસે બેહોશ થઇ ગયો હતો જેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે.