સૂત્રોના મતે સમિતિના કેટલાક સભ્યોએ સરકારી અધિકારીઓને કાશ્મીર જવાની માંગણી કરી હતી પરંતુ આ માંગને ફગાવી દેવાઇ હતી. લોકસભા અને રાજ્ય સભાના સાંસદોએ સરકારના ટોચના અધિકારીઓને અટકાયતમાં લેવાયેલા નેતાઓ ખાસ કરીને ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા અને શ્રીનગરથી સાંસદ ફારુખ અબ્દુલ્લા અંગે સવાલ કર્યા હતા.
ગૃહમંત્રાલયના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું કે, જેમને જન સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં રખાયા છે તેઓ અધિકૃત ટ્રિબ્યુનલમાં પડકારી શકે છે અને તેમના આદેશમાં અસંતોષ થવા પર હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. અબ્દુલ્લા એકમાત્ર નેતા છે જેમણે કાશ્મીરમાં પીએસએ કાયદા હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા છે.
અટકાયતમાં રખાયેલા નેતાઓની મુક્તિ અંગેના સવાલ પર ગૃહમંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે, કેટલાક નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે અને અન્ય નેતાઓને પણ છોડી મુકવામાં આવશે. જોકે, અધિકારીઓએ આ અંગેની કોઇ સમયસીમા આપી નહોતી.