મુંબઇઃમહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા ધમાસાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા છે. બુધવારે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલ અને વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા માટેનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને સર્વાનુમતે પાસ કરી દેવાયો હતો.


દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે, તે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માને છે. 2014 અને 2019માં આપણે ફ્રંટફૂટ પર ચૂંટણી લડી અને જીતી છે. જે પણ અફવાઓ છે તેના પર ધ્યાન આપવું જોઇએ નહીં. ભાજપ અને શિવસેના સાથે મળીને સરકાર બનાવશે. શિવસેનાની કેટલીક ડિમાન્ડ છે તેનો ઉકેલ લાવી દેવામા આવશે.


ફડણવીસે પોતાના ભાષણમાં શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે, આ અંગે અમે કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન લીધું છે. બુધવારે થયેલી આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો ભગવી પાઘડી બાંધીને પહોંચ્યા હતા. જ્યાં દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત કરાયું હતું. નોંધનીય છે કે મુખ્યમંત્રી પદને લઇને શિવસેના સતત ભાજપ પર સવાલ ઉઠાવી રહી છે. શિવસેના ભાજપને 50-50 ફોર્મૂલાની યાદ અપાવી રહી છે પરંતુ ભાજપ તરફથી તેને કોઇ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું નથી.