કાશ્મીરઃ જમ્મુ કાશ્મીર પ્રવાસ પર આવેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યુંકે, ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને તેનાથી ખૂબ આશાઓ છે. પ્રેસ કોન્ફરન્સમાં ઇયુના સાંસદોએ કહ્યું કે, અમારા પ્રવાસને રાજકીય નજરથી જોવામાં આવી રહ્યો છે જે બિલકુલ યોગ્ય નથી. અમે અહીની સ્થિતિની જાણકારી લેવા આવ્યા છીએ. કલમ 370ને આ સાંસદોએ ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.


સાંસદોએ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરને બીજુ અફઘાનિસ્તાન બનતું જોવા માંગતા નથી. અહીંના લોકો શાંતિ અને વિકાસ ઇચ્છે છે. સાંસદોએ કહ્યું કે, આ એક સામાન્ય પ્રવાસ હતો. અમે અહી આવીને સ્થિતિની જાણકારી મેળવી છે. અમારો હેતું કાશ્મીરના લોકોને મળવાનો હતો. આ પ્રવાસનો ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે.

સાંસદોએ આતંકવાદના મામલા પર કહ્યું કે અમે આતંકવાદ વિરુદ્ધ લડાઇની સાથે છીએ. આતંકવાદનો મામલો યુરોપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો ભારત અને પાકિસ્તાને શાંતિ સ્થાપવી હશે તો બંન્ને દેશોએ પરસ્પર વાત કરવી પડશે.